Tuesday, December 21, 2010

Fw: સાત પ્રકારની ગરીબી !

 


                   મોરારિબાપુ: સાત પ્રકારની ગરીબી


રામાયણનાં સાત પાત્રોને સમજી એમની પાસેથી મળતાં સાત વ્રતને જીવનમાં ઉતારો તો સાતે-સાત ગરીબી દૂર થઇ જાય.
- દશરથ પાસેથી ધર્મવ્રત,
- રામ પાસેથી સત્યવ્રત,
- લક્ષ્મણ પાસેથી જાગૃતિવ્રત,
- ભરત પાસેથી પ્રેમવ્રત,
- શત્રુઘ્ન પાસેથી મૌનવ્રત,
- સીતા પાસેથી પતિવ્રત અને
- હનુમાન પાસેથી સેવાવ્રત મળે છે.
  
માણસના જીવનમાં 'સાત' સંખ્યાનું ખૂબ મહત્વ છે. જે રીતે અઠવાડિયાના વાર સાત છે. સંગીતના સૂર સાત છે. આપણા મુખ્ય ઋષિઓ સાત છે. પ્રાથમિક શાળાનાં ધોરણ સાત છે (જે હવે આઠ થવા જઇ રહ્યાં છે) રામચરિત માનસનાં કાંડ સાત છે.
આમ સાતનો આંક માનવીના જીવનમાં ઘણી જગ્યાએ જોવા મળે છે. તે મુજબ માણસમાં ગરીબી પણ સાત પ્રકારની જોવા મળે છે.

૧ - જ્ઞાનની ગરીબી : માણસની પ્રથમ દરિદ્રતા જ્ઞાનની દરિદ્રતા છે. એક કહેવત છે કે જ્ઞાન રંક નર મંદ 
     અભાગી. જે જ્ઞાનની બાબતમાં રંક છે તેવો મનુષ્ય મંદ અને અભાગી છે. જ્ઞાનની દરિદ્રતા એટલે
     વિવેકની દરિદ્રતા. જ્ઞાનની દરિદ્રતા એટલે સમજણની દરિદ્રતા, માણસમાં સાર-અસાર, સુખ-દુ:ખ, 
     કંચન-કથીર અને શુભ-અશુભના ભેદને સમજવાની શક્તિ ન હોય તે જ્ઞાનની ગરીબી ગણાય. કોઇપણ
     વસ્તુને એના મૂળ સ્વરૂપમાં સમજવાની અસમર્થતાનું નામ જ્ઞાનની ગરીબી છે.
     અહીં એક સવાલ થાય કે તમામના હૃદયમાં પરમતત્વ બિરાજમાન છે કારણ આત્મા એ જ પરમાત્મા 

     છે તો પછી વસ્તુને સાચા અર્થમાં સમજવામાં ભૂલ કેમ થતી હશે? તો એનો જવાબ વેદાંતમાંથી મળે  
     છે. વેદાંત કહે છે કે બ્રહ્ન થવું પર્યાપ્ત નથી પરંતુ બ્રહ્નજ્ઞાન થવું જરૂરી છે. માણસમાં ઇશ્વર હોય તે 
     પૂરતું નથી પણ માણસમાં ઇશ્વરી જ્ઞાન હોવું જોઇએ અને તે ન હોય તો માણસ પ્રથમ પ્રકારની  
     ગરીબીનો ભોગ બને છે.
 
૨ - ભાવની ગરીબી : અહીં ભાવનો અર્થ કિંમત (PRICE) નથી પણ ભાવનો અર્થ પ્રેમ (LOVE) છે.

     અહીં ભાવ એટલે માનવીના હૃદયમાંથી ઉત્પન્ન થતા ભાવની વાત છે. જે રીતે બ્રહ્ન હોય પણ 
     બ્રહ્નજ્ઞાન ન હોય તો નિરર્થક છે તેમ હૃદયમાં પ્રેમ હોય પણ પ્રેમ પ્રગટે નહીં તો સાર્થક નથી. પ્રેમ પ્રગટ
     ન થવાથી લોકો પોતાની જાતને દુ:ખી મહેસૂસ કરે છે. એનો અર્થ આપણી પાસે સંપદા છે પણ આપણે
     એનો લાભ લઇ શકતા નથી.
 

     જે રીતે બાપ-દાદાની કરોડોની મિલકતનો વારસો હોય પણ કોઇ કાનૂની ગરબડના કારણે મળે નહીં 
     એવું જ કંઇક ભાવદરિદ્ર માણસોના જીવનમાં બને છે. હૃદયમાં પોતાના અધિકારનો પ્રેમ છે પણ કોઇ
      કારણથી પ્રગટ થતો નથી એટલે લાભ મળતો નથી. તુલસીદાસજી લખે છે કે હરિ વ્યાપક સર્વત્ર 
      સમાના. દરેક સ્થાને હરિ સમાન રીતે વ્યાપક છે પણ એને પ્રગટ કરવાની ચાવી ભાવ છે.              
      પ્રેમ સે પ્રગટ હો હિં મૈ જાના, પ્રેમ પ્રગટ ન થવાથી હરિ પ્રગટ થતો નથી અને આ પ્રકારનો જીવ બીજા
      પ્રકારની ભાવદરિદ્રતાનો ભોગ બને છે.

૩ - વચનની ગરીબી : વચનની દરિદ્રતા એટલે વાણીની દરિદ્રતા. માણસે કોઇપણ જાતના સંકોચ વગર
     સત્ય બોલવું જોઇએ. જો એમ કરવું અશક્ય હોય તો મૌન ધરવું જોઇએ પણ કોઇને ખોટો હર્ષ પમાડે
     એવું અસત્ય ક્યારેય ન બોલવું જોઇએ.કોઇ દાકતર પાસે દર્દી આવે. ભગવાન ન કરે અને મરીજને
     જીવલેણ બીમારી માલૂમ પડે તો દાકતરનો ધર્મ છે કે દર્દી અથવા દર્દીનાં સગાંને તરત જ જાણ કરવી 
     જોઇએ કે આ દર્દીને કેન્સર છે. એ સમયે દાકતર એમ કહે છે કે તમને તો નખમાં પણ રોગ નથી તો આ
     અસત્ય દર્દી તથા દર્દીના સગાંવહાલાંને રાજી કરશે પણ દર્દીને બચાવી શકશે નહીં.
અસત્ય બોલીને પેદા
     કરેલો હર્ષ અલ્પજીવી હોય છે. એના કરતાં દાકતર કડવાં સત્યનો આશ્રય લેશે તો તરત જ એ દિશામાં
     સારવાર થશે જે દર્દીને બચાવી લેશે અથવા લાંબું જીવવામાં મદદ કરશે,માટે માણસે પ્રિય બોલવું જોઇએ
     તે બરાબર છે પરંતુ પ્રિયવાણી જો હિતકારી ન હોય તો અપ્રિય બોલીને પણ સામેની વ્યક્તિનાં હિતની 
     ચિંતા કરવી એ વચનની અમીરી છે. આજનો માણસ અપ્રિય સત્ય બોલવાને બદલે પ્રિય અસત્ય બોલવા
     લાગ્યો છે અને તેથી ત્રીજા નંબરની ગરીબીનો ભોગ બની ગયો છે.

૪ - વિચારોની ગરીબી : માણસ સારા વિચાર કરે તો એની સારી અસર થાય છે તે મનોવૈજ્ઞાનિક સત્ય છે.
     એક અમેરિકન પત્રકારને એવી બીમારી લાગુ પડી કે જે બીમારીમાં પાંચસો માણસોમાંથી એક જ 
     માણસ બચી શકે. જીવનના આવા કપરા કાળમાં એ પત્રકારને વિચાર આવ્યો કે જો ખરાબ વિચારોની
     માણસના શરીર ઉપર અસર થતી હોય તો સારા વિચારોની પણ ચોક્કસ અસર થવી જોઇએ. એણે પોતે
     બચી જશે એવા વિશ્વાસ સાથે ખૂબ હકારાત્મક વિચારો શરૂ કર્યા. નકારાત્મક વિચારોને જડબેસલાક
     મગજવટો આપ્યો. માત્ર હાસ્યચિકિત્સાથી એ માણસ જીવી ગયો અને એણ પોતાના અનુભવોનું દળદાર
     પુસ્તક બનાવ્યું. આ પત્રકારનું નામ નોર્મન કઝીન્સ અને પુસ્તકનું નામ છે : એનેટોમી ઓફ  ઇલનેસ. 
     આજનો માણસ પોતાના માટે, પરિવાર માટે, સમાજ માટે અને વિશ્વ માટે ઘણું નકારાત્મક વિચારે છે
     અને તેથી ચોથા પ્રકારની વિચાર દરિદ્રતાનો ભોગ બને છે.

૫ - બુદ્ધિની ગરીબી : માણસની પાંચમી દરિદ્રતા બૌદ્ધિક દરિદ્રતા છે. ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં
     બુદ્ધિનાં ખૂબ વખાણ કર્યાં છે. જે વિવાદ કરે તે સાચી બુદ્ધિ નથી પરંતુ જે સંવાદ કરે તે બુદ્ધિ છે.
     બુદ્ધિજીવી અને બુદ્ધિશાળીવચ્ચે આસમાન-જમીનનું અંતર છે. ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે જે સ્વનો 
     વિચાર કરે છે તે બુદ્ધિ નથી પણ જે સર્વનો વિચાર કરે છે તે બુદ્ધિ છે. જગતગુરુ આદિ શંકરાચાર્યજીએ
     કહ્યું છે કે માણસ કેટલો ચતુર છે તે અગત્યનું નથી પણ માણસ કેટલો સમજદાર છે તે અગત્યનું છે.
     જેની પાસે શાસ્ત્ર નથી એની બુદ્ધિ શસ્ત્ર બની જાય છે અને પરિણામે હિંસાનો જન્મ થાય છે. જેની
     બુદ્ધિ સદ્ગુરુ કે સદ્ગ્રંથથી દીક્ષિત નથી તે ગમે તેટલો ભણેલો હોવા છતાં શિક્ષિત નથી કારણ કે 
     જીવનમાં શુદ્ધિ ન હોય તો બુદ્ધિ કુબુદ્ધિ બની જાય છે અને પરિણામે માણસ પાંચમા પ્રકારની
     દરિદ્રતાનો ભોગ બને છે.

૬ - ચિંતનની ગરીબી : તમને સવાલ થશે કે વિચારોની ગરીબી અને ચિંતનની ગરીબીમાં શું તફાવત છે?
     વિચાર અને ચિંતનમાં મોટો તફાવત છે. આજનો માણસ ખૂબ વિચારો કરે છે, પરંતુ જરા પણ ચિંતન
     કરતો નથી. કોઇનું અહિત કરવા માટેનો વિચાર એ ચિંતન નથી. કોઇનું હિત કરવા માટેનો વિચાર એ
     પણ ચિંતન નથી. પહેલો વિચાર કુવિચાર છે અને બીજો વિચાર સુવિચાર છે. માણસ શું કરવું એનો
     વિચાર કરે છે. ત્યારબાદ વિચારને વાણી તથા વર્તન સ્વરૂપે કાર્યરત કરે છે. ત્યાર બાદ પોતે કરેલો
     વિચાર, પોતે કરેલું વર્ણન અને પોતે ઉચ્ચારેલી વાણી યોગ્ય હતાં કે અયોગ્ય હતાં તે જાણવા માટે માણસ
     તટસ્થ બનીને વિચારે તે ચિંતન છે. આજના માણસની આ ચિંતનાત્મક તટસ્થતા ખોવાઇ ગઇ છે એટલે
     એ છઠ્ઠા પ્રકારની ગરીબીનો ભોગ બન્યો છે.

૭ - મોહની ગરીબી : માણસનો મોહ વધે તે સાતમી દરિદ્રતા છે. આગળની છે ગરીબી એવી છે જેમાં જ્ઞાન,
     ભાવ, સત્યવચન, સુવિચાર, સુબુદ્ધિ અને ચિંતન ઘટે એટલે ગરીબી આવે છે જ્યારે સાતમા પ્રકારમાં
     મોહ વધે એટલે ગરીબી આવે છે. આ સાત પ્રકારની ગરીબીથી બચવા માટે શું કરવું એનો જવાબ
     રામચરિત માનસમાંથી મળે છે. આપણે પહેલાં દર્દની ચર્ચા કરી અને હવે એની દવા વિશે જાણી લઇએ.
     એક ભાઇ મુંબઇ જતા હતા. એમના પાડોશીએ મુંબઇથી અરીસો મંગાવ્યો. પેલા ભાઇ અરીસા બદલે

     રામાયણ લાવ્યા અને કહ્યું કે આ દિવ્ય અરીસો છે. કાચના અરીસામાં તને માત્ર તારું શરીર દેખાશે
      ત્યારે આ સાચના અરીસામાં તારું આખું જીવન દેખાશે.
      જો રામાયણનાં સાત પાત્રોને બરાબર સમજી અને એમની પાસેથી મળતાં સાત વ્રતને જીવનમાં ઉતારો

      તો સાતે-સાત ગરીબી દૂર થઇ જાય એવું છે. દશરથ પાસેથીધર્મવ્રત, રામ પાસેથી સત્યવ્રત, લક્ષ્મણ
      પાસેથી જાગૃતિવ્રત, ભરત પાસેથી પ્રેમવ્રત, શત્રુઘ્ન પાસેથી મૌનવ્રત, સીતા પાસેથી પતિવ્રત અને
      હનુમાન પાસેથી સેવાવ્રત મળે છે.
      ધર્મવ્રત મળશે એટલે જ્ઞાનની ગરીબી ગાયબ થઇ જશે. પ્રેમવ્રત પામશો એટલે ભાવની ગરીબી દૂર થઇ

      જશે. સત્યવ્રત મળશે એટલે વચનની ગરીબી હટી જશે. જાગૃતિવ્રત મળશે એટલે વિચારની ગરીબી
      અર્દશ્ય થશે. મૌનવ્રત મેળવશો એટલે ચિંતનની ગરીબીનો નાશ થશે. પતિવ્રતથી બુદ્ધિની ગરીબી
      ઓગળી જશે અને છેલ્લે સેવાવ્રતથી મોહની ગરીબી ભાગી જશે. આમ રામકથાને એક કાનથી
      સાંભળીને બીજા કાનથી કાઢી નાખશો તો ગમે તેટલી કથા સાંભળશો છતાં ફાયદો થવાનો નથી પણ
      રામાયણનાં પાત્રોનાં વ્રતને આત્મસાત્ કરશો તો દરિદ્રતા દૂર થશે અને સાચી અમીરી પ્રગટશે.


--
Thanks

Sarala Majmudar

भगवान् से प्रेम करनेवाला साधु है, लेकिन भगवान् जिससे प्रेम करते हैं वह संत है ।
Bhagavan se prem karnewala sadhua hai, lekin Bhagavan jisse prem karte hain vah sant hai.
He, who loves God is a sage but the one whom God loves, is a saint.


No comments:

Post a Comment